Tuesday 5 May 2015

રહેશે મને મારી મુસીબતની દશા યાદ


રહેશે મને મારી મુસીબતની દશા યાદ
 
રહેશે   મને  મારી  મુસીબતની  દશા યાદ
બીજા તો બધા ઠીક છે આવ્યો ન ખુદા યાદ

પ્રેમાળ છે દિલ એવું  કે આવે છે બધાં યાદ
દુઃખદર્દ છે એવાં  કે તમે પણ ન રહ્યાં યાદ

એ તો  ન રહી શકતે મહોબ્બતના વિના યાદ
હો વિશ્વના વિસ્તારમાં  એક નાની જગા યાદ
 
મુજ હાસ્યને દુનિયા  ભલે  દીવાનગી સમજે
જ્યાં જઈને રડું  એવી  નથી  કોઈ જગા યાદ

મર્યાદા   જરા   બાંધો   જુદાઈના  સમયની
નહિતર મને રહેશે ન  મિલનની ય મજા યાદ

માગી મેં  બીજી ચીજ  હતી  એ  જુદી વસ્તુ
બાકી  હો કબૂલ એવી હતી કંઈક દુઆ યાદ

આ દર્દ મહોબ્બતનું  જે હરગિઝ નથી મટતું
ઉપરથી  મજા  એ  કે  મને  એની દવા યાદ

એકાંતમાં  રહેવાનું   ન  કારણ   કોઈ  પૂછો
છે  એમ  તો  કંઈ  કેટલી પ્રેમાળ સભા યાદ

કિસ્મતમાં  લખેલું   છે  જુદાઈમાં  સળગવું
ને  એના મિલનની  મને  પ્રત્યેક જગા યાદ

જાહીદ  મને  રહેવા  દે તબાહીભર્યાં  ઘરમાં
મસ્જિદથી વધારે અહીં  આવે છે  ખુદા યાદ

હો  મૌન  જરૂરી  તો   પછી  બન્ને  બરાબર
થોડોક  પ્રસંગ યાદ હો  યા આખી કથા યાદ

ચાલો કે ગતિની જ  મજા લઈએ  કે  અમને
મંઝિલ  ન રહી યાદ ન રસ્તો  ન દિશા યાદ

મન દઈને ‘મરીઝ’  હવે કંઈ પણ નથી કહેતા
સૌ  મારા ગુનાની  મને  રહેશે આ સજા યાદ

સ્વરઃ મન્ના ડે
ગીતઃ મરીઝ
સંગીતઃ નિનુ મઝુમદાર (૧૯૬૮)

ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment