Saturday 9 May 2015


કાજળભર્યા નયનનાં કામણ

જીવનમાં જો દુઃખો હોય તો જીવન મદિરાધામ થઈ જાયે
આ   દિલ   સુરાહી   ને    નયન    જામ   થઈ   જાયે
તુજ   નયનમાં   નિહાળું   છું   સઘળી   રાસલીલાઓ
જો કીકી  રાધા થઈ જાયે  તો  કાજળ  શ્યામ થઈ જાયે

કાજળભર્યા  નયનનાં  કામણ મને ગમે છે
કારણ નહિ જ  આપું  કારણ  મને ગમે છે

લજ્જા   થકી  નમેલી  પાંપણ  મને ગમે છે
ભાવે છે  ભાર મનને  ભારણ  મને ગમે છે
જીવન અને મરણની  હર ક્ષણ મને ગમે છે
એ  ઝેર હોય  અથવા  મારણ મને ગમે છે

ખોટી  તો  ખોટી  હૈયાધારણ  મને ગમે છે
જળ હોય ઝાંઝવાનાં તો  પણ મને ગમે છે
હસવું સદાય હસવું  દુ:ખમાં  અચૂક હસવું
દીવાનગીતણું   આ  ડહાપણ  મને ગમે છે

આવી ગયાં છો આંસુ લૂછો નહિ ભલા થઈ
આ  બારે માસ  લીલાં તોરણ  મને ગમે છે
લાવે  છે  યાદ  ફૂલો  છાબો  ભરી ભરીને
છે  ખૂબ  મહોબતીલી  માલણ મને ગમે છે

દિલ શું હવે હું પાછી દુનિયા પણ નહિ દઉં
એ પણ મને ગમે છે   આ પણ મને ગમે છે
હું   એટલે   તો   એને   વેંઢારતો   રહું છું
સોગંદ  જિંદગીનાં  વળગણ  મને  ગમે છે

ભેટ્યો છું  મોતને  પણ  કૈં  વાર જિંદગીમાં
આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે
ઘાયલ  મને મુબારક  આ  ઊર્મિકાવ્ય મારાં
મેં  રોઈને  ભર્યા  છે  એ  રણ  મને ગમે છે
રચનાઃ અમૃત ‘ઘાયલ’ સ્વરઃ મનહર ઉધાસ ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment