Thursday 7 May 2015


એક દી સર્જકને આવ્યો

એક દી સર્જકને આવ્યો કૈં અજબ જેવો વિચાર
દંગ  થઈ  જાયે  જગત એવું  કરું સર્જન  ધરાર

ફૂલની  લીધી  સુંવાળપ  શૂળથી  લીધી  ખટક
ઓસથી ભીનાશ લીધી  બાગથી  લીધી  મહક

મેરૂએ આપી  અડગતા  ધરતીએ ધીરજ  ધરી
વૃક્ષથી  પરમાર્થ   કેરી   ભાવના  ભેગી   કરી

બુદબુદાથી   અલ્પતા  ગંભીરતા   મઝધારથી
મેળવ્યો   કંકાસ   મીઠો    મોજના  સંસારથી

પ્રેમ  સારસનો   ઉપાડ્યો  પારેવાનો  ફડફડાટ
કાગથી  ચાતુર્ય   લીધું   કાબરોથી  કલબલાટ

ખંત લીધી  કીડીઓથી મક્ષિકાથી  શ્રમ અથાગ
નીરથી  નિર્મળતા લીધી  આગથી લીધો વિરાગ

પંચભૂતો   મેળવી    એ    સર્વેનું    મંથન  કર્યું
આમ  એક   દી  સર્જકે   નારીનું   સર્જન  કર્યું

દેવ દુર્લભ  અવનવી આ શોધ  જ્યાં બીબે ઢળી
એ  દિવસથી  દર્દ  કેરી  ભેટ  દુનિયાને  મળી!

સ્વર અને સૂરઃ મનહર ઉધાસ
રચનાઃ ‘શૂન્ય’ પાલનપુરી

ક્લીક કરો અને સાંભળોઃ


No comments:

Post a Comment