Tuesday 5 May 2015


       મારી વેણીમાં ચાર ચાર ફૂલ
 
          મારી  વેણીમાં ચાર ચાર ફૂલ
          અંબોડલે સોહે સોહામણી ઝૂલ

          પહેલું ફૂલ,
          જાણે મારા સસરાજી શોભતા
          જાણે પેલું મોગરાંનું ફૂલ
          એની સુવાસે મ્હેકે ઘર ઘરનો ઓરડો
          ભીર ને સૌમાં અતુલ

          મારી વેણીમાં ચાર ચાર ફૂલ
          અંબોડલે સોહે સોહામણી ઝૂલ

          બીજું ફૂલ,
          જાણે મારી નણંદ પેલી નાનકી
          જાણે પેલું ચંપાનું ફૂલ
          જ્યારે જુઓ ત્યારે ખીલ્યું ને ફાલ્યું
          મસ્તીમાં રહેતું મશગૂલ
          મારી વેણીમાં ચાર ચાર ફૂલ
          અંબોડલે સોહે સોહામણી ઝૂલ

          ત્રીજું ફૂલ,
          જાણે મારા સાસુજી આકરા
          જાણે પેલું સૂર્યુમુખી ફૂલ
          સૂરજ ઉગતાની સાથે માંડતુ એ મ્હેકવા
          સાંજ સુધી કાઢતું એ ભૂલ

          મારી વેણીમાં ચાર ચાર ફૂલ
          અંબોડલે સોહે સોહામણી ઝૂલ

          ચોથું ફૂલ,
          જાણે મારા હૈયાના હારનું
          જાણે પેલું રાતરાણી ફૂલ
          દિવસે ના બોલે એ મોટાના માનમાં
          રાતડીએ બોલે બૂલબૂલ
 
          મારી  વેણીમાં ચાર ચાર ફૂલ
          અંબોડલે સોહે સોહામણી ઝૂલ
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ સ્વર: કૃષ્ણા કલ્લે ચિત્રપટઃ સમય વર્તે સાવધાન (૧૯૬૭) ક્લીક કરો અને સાંભળોઃ

[નોંધઃ આ ગીતની મૂળ ગ્રામોફોન રેકોર્ડ જ્યોત્સના મહેતાના સ્વરમાં ૧૯૫૦ના દાયકામાં બની હતી અને ઘણી લોકપ્રિય બની હતી. આ ગીત કૃષ્ણા કલ્લેના સ્વરમાં ફરી રેકોર્ડ કરવામાં આવ્યું હતું અને ૧૯૬૭માં તે ચિત્રપટમાં પણ લેવામાં આવ્યું હતું.]

No comments:

Post a Comment