Thursday 7 May 2015



પૂછીને થાય નહીં પ્રેમ

દરિયાના   મોજાં    કંઈ   રેતીને   પૂછે
તને  ભીંજાવું  ગમશે કે કેમ             
એમ પૂછીને થાય નહીં પ્રેમ             

ચાહવા ને  ચૂમવામાં ઘટનાનો ભેદ નથી
એકનો પર્યાય  થાય બીજું              
આંખોનો   આવકારો    વાંચી   લેવાનો
ભલે હોઠોથી બોલે કે ખીજું?           
ચાહે  તે  નામ  તેને  દઈ   દો  તમે  રે
ભાઈ  અંતે  તો  હેમનું  હેમ            
એમ પૂછીને  થાય  નહીં પ્રેમ           

ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો  પછી
કાયમના રહેશો  પ્રવાસી                
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું
સરનામું   સામી અગાશી               
મનગમતો   મોગરો    મળશે  વટાવશો
વાંધાની  વાડ   જેમ  જેમ              
એમ પૂછીને થાય નહીં પ્રેમ             

ગીતઃ તુષાર શુક્લ
સ્વરઃ શ્યામલ મુનશી
સંગીતઃ શ્યામલ-સૌમિલ

ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment