Wednesday 6 May 2015


મારે ઠાકોરજી નથી થાવું
 
મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે  ઠાકોરજી નથી થાવું

ધડ ધીંગાણે જેના માથાં મસાણે એના પાળિયા થઈને પૂજાવું
ટોચ મા ટાંચણું લઈ ભાઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું...                

હોમ  હવન કે  જગન  જાપથી  મારે  નથી   રે  પૂજાવું
બેટડે બાપનાં  મોઢાં  ન  ભાળ્યાં એવા કુમળા હાથે ખોડાવું
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું..                 

પીળા પીતાંબર કે જરકશી જામા  મારે વાઘામાં નથી વીંટળાવું
કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે એવા સિંદૂરે ચોપડાઈ જાવું
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.                   

ગોમતીજી કે ઓલ્યા જમનાજીના આરે  નીરગંગામાં નથી નાવું
નમતી સાંજે  કોઈ  નમણી વિજોગણના ટીપા આંસુડાએ નાવું
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું...                 

બીડ્યા  મંદિરિયામાં  બેસવું નથી મારે ખુલ્લા મેદાનમાં જાવું
શૂરા  શહીદોની  સંગાથમાં  મારે  ખાંભીયું   થઈને  ખોડાવું
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું...                 

કપટી  જગતના  કૂડાકૂડા  રાગથી  ફોગટ  નથી રે  ફુલાવું
મુડદાં  બોલે  એવા  સિંધુડા  રાગમાં   શૂરોપૂરો   સરજાવું
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું...                 

મોહ  ઉપજાવે  એવી મુરતિયુંમાં મારે ચિતારા નથી ચીતરાવું
રંગ   કસુંબીના ઘૂંટ્યા  રુદામાં  એને ‘દાદ’  ઝાઝું  રંગાવું
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું...                 

રચનાઃ કવિ ‘દાદ’
સ્વર: હેમન્ત ચૌહાણ

ક્લીક કરો અને સાંભળોઃ
 

No comments:

Post a Comment