Tuesday 5 May 2015

સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ
 
સોનેરી   રંગ   સાંજનો    ફૂલ   ગુલાબી   પ્રભાત
નીલ    રંગનું   આભલું   શ્યામલ   વરણી    રાત
સઘળા   રંગો  મેળવ્યાં   દિલના   રંગની    સાથ
તોય  પિયુની પાઘડીએ  પડી  કોઈ અનોખી ભાત

મેં    તો   રંગ્યો    હતો   એને   દિલડાની   સંગ
મેં    તો   રંગ્યો    હતો   એને   દિલડાની   સંગ
તોયે સાહ્યબાની પાઘડીએ  લાગ્યો  કોઈ જુદો રંગ
મારા સાહ્યબાની પાઘડીએ  લાગ્યો  કોઈ જુદો રંગ

રંગ  તો  એવો  જાલિમ   જાણે   જમદૂતે  ઝંખેલો
ક્યાંકથી  લાવ્યો  પાતાળ  ભેદી નાગણનો  ડંખેલો
એના ઝેરની  ઝાપટ  લાગી મુને  ફૂટ્યો  અંગેઅંગ
મારા સાહ્યબાની પાઘડીએ  લાગ્યો  કોઈ જુદો રંગ

ચાર  દિશામાં  કયાંય  નહિ  ને  મેઘધનુમાં નહોતો
વાલમને મન એ જ વસ્યો ને એ જ રહ્યો  રંગ જોતો
એનો  ડાઘ પડ્યો તે મૂળથી ધોવા મથી રહી હું દંગ
મારા સાહ્યબાની પાઘડીએ  લાગ્યો  કોઈ જુદો રંગ

રંગની  ઉપર  રંગ  ચડે  તે  મૂળનો તો રંગ ધોળો
સાહ્યબો મારો દિલનો  જાણે  શિવજી ભોળો ભોળો
કોઈ ભીલડી આવી ભોળવી એના તપનો કર્યો ભંગ
મારા સાહ્યબાની પાઘડીએ  લાગ્યો  કોઈ જુદો રંગ

મેં    તો   રંગ્યો    હતો   એને   દિલડાની   સંગ
તોયે સાહ્યબાની પાઘડીએ  લાગ્યો  કોઈ જુદો રંગ
મારા સાહ્યબાની પાઘડીએ  લાગ્યો  કોઈ જુદો રંગ
 
સ્વર: રાજુલ મહેતા
ગીત-સંગીતઃ નિનુ મઝુમદાર
ચિત્રપટઃ લંકાની લાડી ને ઘોઘાનો વર (૧૯૭૯)

ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment